શું રાત્રિ કર્ફ્યૂ ઉપયોગી નીવડે?
સરકાર અને લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. એક તરફ કૂવો, બીજી તરફ ખાઈ ! સરકાર પ્લાનિંગ સાથેનું લોકડાઉન કરે તો ચિંતા એ છે કે લોકો ખાય શું? નોટબંધીથી ધંધા/રોજગારની હાલત ખરાબ છે. એટલે હવે લોકો લોકડાઉન ખમી શકે તેમ નથી. કોરોના બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહ્યો છે. આખા દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. સ્મશાનમાં લાશો એટલી આવે છે કે અંતિમ સંસ્કાર માટે આખો દિવસ રાહ જોવી પડે છે. સરકારમાં આવડત નથી, એમ કહી શકાય તેમ નથી; મોતના આંકડા સરસ રીતે છૂપાવી શકે છે ! સવાલ એ છે કે મોતના આંકડા છૂપાવી શકતી સરકારને રેમડેસિવિર ઈન્જેક્શનના કેટલા જથ્થાની જરુર પડશે; એનો અંદાજ કેમ આવતો નહીં હોય? રેમડેસિવિરની ભારે અછત સર્જાતા; 11 એપ્રિલ 2021 ના રોજ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. એક વર્ષ પહેલા પગલાં લેવાની જરુર હતી ત્યારે સરકારને હોસ્પિટલની સુવિધાઓ સુધારવાની અને વધારવાની જરુર લાગી નહતી. ત્યારે માત્ર ગૌમૂત્ર અને બાબા રામદેવની ‘કોરોનિલ’ની ચર્ચા કરી ! 13 મહીના દરમિયાન સરકાર મોબાઈલ એપ્લિકેશન તૈયાર ન કરી શકી; જેથી લોકોને કઈ હોસ્પિટલમાં; કેટલા બેડ ખાલી છે; કેટલી દવાઓ; કેટલા ઈન્જેક્શન ઉપલબ્ધ છે? તેનો ખ્યાલ આવે ! ટોલનાકાએ ફરજિયાત ફાસ્ટેગ ડિઝિટલ પેમેન્ટનો ધરાર આગ્રહ કરનાર સરકારે; આરોગ્ય સબંધી સેવાઓને શામાટે ડિઝિટલ ન કરી? હાલે લોકો આખો દિવસ રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનમાં ભૂખ્યા/તરસ્યા ઊભા રહે છે. બીજી તરફ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ખાતે લોકો લાઈનમાં ઊભા છે. શંકા એવી જાય છે કે આ વસતિ નિયંત્રિત કરવાનો ‘માસ્ટર સ્ટ્રોક’ તો નહીં હોય?
હોસ્પિટલોની ગેરવ્યવસ્થા/ અપૂરતી સુવિધાઓના પ્રશ્નો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. તેના કારણે સરકારની પોલ ખૂલી રહી છે. ચૂંટણી સભાઓ/રજતતુલાઓ/રસીમહોત્સવો /હરિદ્વારમાં કુંભમહોત્સવ/સત્તાપક્ષના બીજા જાતજાતના મહોત્સવોના કારણે કોરોના કંટ્રોલ બહાર જતો રહ્યો છે. આ સ્થિતિમાં, સરકાર માટે હવે કંઈક પગલાં લીધા છે; તેવું દેખાડની જરુરિયાત ઊભી થઈ છે. અગાઉ સરકાર અને લોકો લોકડાઉનથી દાઝી ગયેલાં છે. એટલે સરકારે હવે રાત્રિ કરફ્યૂનો ખેલ નાખ્યો છે. સવાલ એ છે કે શું રાત્રિ કર્ફ્યૂ ઉપયોગી નીવડે?
રાત્રિ કર્ફ્યૂ લોકોને; પાર્ટી/લગ્ન સારંભો/ સિનેમા હોલ/નાઈટ ક્લબ/ ડિસ્કોથિક/હોટલ/રેસ્ટોરન્ટમાં જતાં રોકે છે. મોડે સુધી ચાલતી પ્રવૃતિઓ બંધ રહે તો લોકો એકબીજાના સંપર્કમાં ન આવે. પણ દિવસે આ બધું ચાલુ હોય તો લોકો સંપર્કમાં આવે કે નહીં? સવાલ એ છે કે કોરોના વાયરસ દિવસે આરામ કરતો હશે અને રાત્રે જ સક્રિય થતો હશે? કોઈ રાજ્યમાં વીકએન્ડમાં બે દિવસ લોકડાઉન કરે છે. કોરોના કંઈ વીકએન્ડમાં જ થોડો બહાર નીકળે? સત્તાપક્ષના નેતાઓ માસ્ક પહેરતા નથી; સોશિયલ ડીસ્ટેન્સનું પાલન કરતા નથી. નોટબંધી વેળાએ ડિઝિટલ પેમેન્ટની વાત કરનારા વડાપ્રધાન શામાટે પૈસા ખર્ચી જંગી ભીડ એકત્ર કરે છે? ચૂંટણી પ્રચાર ડિઝિટલ/TV મારફતે થઈ ન શકે? ભીડ એકઠી કરી સંમોહન ઊભું કરવાની લાલચ સત્તાપક્ષ કેમ છોડી શકતો નથી? કોરોના વડાપ્રધાનની 56 ઈંચની છાતીથી જરુર ડરતો હોવો જોઈએ ! એક વર્ષ પહેલા થાળી ટીપવાથી કોરોના ત્રાસી ગયો હતો ! દીપક પ્રગટાવ્યા ત્યારે કોરોના સંતાઈ ગયો હતો ! રાત્રિ કર્ફ્યૂથી કોરોના કદાચ કંટાળી જાય ! વડાપ્રધાને એવી યુક્તિ વિચારી હોય કે લાખો લોકોની ભીડ એકત્ર કરી કેરોનાને ડરાવી દેવો ! જો કોરોના ન ડરે તો બીજે દિવસે વડાપ્રધાન 'દો ગજ કી દૂરી'ની એવી નાટકીય વાત કરે કે કોરોના ખડખડાટ હસી પડે; એટલો હસે કે એના પેટમાં જ ભયંકર દુખાવો ઉપડે !
-રમેશ સવાણી IPS
😂 Cm On Fire 🔥
ReplyDeleteકુમારભાઈ: આ લોકો કઈક રામદેવપીર વાળા ઇંજેક્શન નું કંઇક પૂછે છે.
ReplyDeleteવિજયભાઈ : એતો કહી દો. સી. આર ને પૂછી લે.મને ખબર નથી.