એક તરફ દર્દીઓ રીક્ષામાં જઈ રહ્યા છે; બીજી તરફ 70 એમ્બ્યુલન્સ ઢાંકીને મૂકી રાખી !
કોરોના મહામારીમાં હોસ્પિટલ બેડ/ઓક્સિજન/ઈન્જેક્શન/દવાઓ/વેન્ટિલેટર/એમ્બ્યુલન્સ વગેરેની અછતનો સામનો લોકો કરી રહ્યા છે. લોકો હોસ્પિટલ જતા રસ્તામાં કે હોસ્પિટલ બહાર બેડની રાહ જોતાં જોતાં મોતને ભેટે છે. સરકાર મોતના આંકડા છૂપાવે છે પરંતુ લાશો એટલી આવે છે કે સ્મશાનમાં અગ્નિદાહ માટે અને કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યાની અછત પડી રહી છે. આ સ્થિતિમાં બિહારના સત્તાપક્ષના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર રાજીવ પ્રતાપ રુડીએ બિહારના અમનોર સ્થિત પોતાના કાર્યાલયના કમ્પાઉન્ડમાં 70 જેટલી સરકારી એમ્બ્યુલન્સ છૂપાવીને/ઢાંકીને મૂકી રાખી હતી ! આ અંગે જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવે 7 મે 2021ના રોજ, સારણ જિલ્લાના અમનોર જઈને પર્દાફાશ કર્યો હતો; ઢાંકી રાખેલી એમ્બ્યુલન્સને ખૂલ્લી કરી વીડિયો ઊતારી; તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિચારી શકાતું નથી કે એક તરફ દર્દીઓ રીક્ષામાં જઈ રહ્યા છે; સાયકલ ઉપર જઈ રહ્યા છે; બીજી તરફ 70 એમ્બ્યુલન્સ ઢાંકી રાખી હતી ! આ કેવું ગવર્નન્સ?
સવાલ એ છે કે કોરોના મહામારીમાં આટલી એમ્બ્યુલન્સ છૂપાવીને મૂકી રાખવાનું સંસદસભ્ય કઈ રીતે વિચારી શક્યા હશે? એમની સંવેદનશીલતા ક્યાં જતી રહી હશે? સંસદસભ્યની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ એમ્બ્યુલન્સનો કબ્જો સંસદસભ્ય રાખી શકે? એમ્બ્યુલન્સની ખરીદી બાદ દર મહિને કેટલા કિલોમીટર ચાલી તે અંગેનું સુપરવિઝન રાખવાની કોઈ જોગવાઈ કેમ નહીં? આ સંતાડીને રાખી મૂકેલ એમ્બ્યુલન્સનો વીડિયો વાયરલ થતાં જ ઊહાપોહ મચી ગયો હતો ! કોઈના ગળે ન ઊતરે એવી રાજીવ પ્રતાપ રુડીએ સ્પષ્ટતા કરી કે “આ એમ્બ્યુલન્સ તો ડ્રાઈવરો મળતા નથી એટલે પડી રહી છે ! જો પપ્પુ યાદવ ડ્રાઈવરની વ્યવસ્થા કરે તો એમ્બ્યુસન્સ એમને આપી દઈશ !”
માની લઈએ કે રુડીને ડ્રાઈવર મળતા ન હતા; તો શામાટે તેમણે સ્થાનિક કે રાજ્ય ઓથોરિટીને જાણ ન કરી? વળી આ એમ્બ્યુલન્સ એમની માલિકીની ન હતી. સવાલ એ છે કે રુડીજી આ એમ્બ્યુલન્સ પપ્પુ યાદવને ભેટમાં આપી શકે? એમ્બ્યુલન્સ ખરીદવાના પૈસા છે; ડ્રાઈવરના પૈસા નથી? આટલી બેરોજગારીમાં ડ્રાઈવર મળતા નથી; તેમ કહેવું જૂઠ નથી? આ કેવો વહિવટ? તરત જ પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજીને પડકાર ફેંક્યો કે “અમારી પાસે 70 ડ્રાઈવર છે; અમને સોંપી દો એમ્બ્યુલન્સ. અમે કોરાના દર્દીઓનો મફત સેવા આપીશું !” પપ્પુ યાદવે ટ્વીટ કરી પૂછ્યું કે “રુડીજી પાસે Ministry of Skill Development and Entrepreneurship વિભાગ હતો; ત્યારે 17 ઓક્ટોબર 2016 ના રોજ બિહારના છપરામાં ‘PM કૌશલ વિકાસ યોજના’ હેઠળ ‘ડ્રાઈવર પ્રશિક્ષણ સંસ્થા’નું તેમણે મિનિસ્ટર નીતિન ગડકરી પાસે ઉદઘાટન કરાવ્યું હતું. છતાં તેઓ પાંચ વર્ષમાં 70 ડ્રાઈવર તૈયાર ન કરી શક્યા?” કોને ફરિયાદ કરવી? જેવો રાજા તેવા તેના સંસદસભ્યો ! કોરોના મહામારીમાં 20,000 કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની હઠ લેનારા રાજા તેમના સંસદસભ્યને પૂછી શકે તેમ નથી કે જ્યારે એમ્બ્યુલન્સના અભાવે લોકો ઘરમાં/રસ્તામાં મરી રહ્યા હતા; ત્યારે એમ્બ્યુલન્સ પાસે લાજ કેમ કઢાવી રાખી હતી?
Post a Comment