હ્રદય કંપી ઊઠે એવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે.
પંચાયત ચૂંટણીમાં 706 શિક્ષકોના કોરોના સંક્રમણથી મોત !
હ્રદય કંપી ઊઠે એવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ચાર તબક્કામાં યોજાયેલ પંચાયતની ચૂંટણીઓમાં 706 શિક્ષકો/કર્મચારીઓના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે. ગંભીર બાબત એ છે કે દર કલાકે એક શિક્ષકનું મોત થઈ રહ્યું છે ! ઉત્તરપ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘે 29 એપ્રિલ 2021ના રોજ, મુખ્યમંત્રી અને ચૂંટણીપંચને પત્ર લખી વિનંતિ કરી છે કે 2 મે ના રોજ મતગણતરી છે તે મોકૂફ રાખવામાં આવે ! પત્ર સાથે મૃત્યુ પામેલ 706 શિક્ષકો/કર્મચારીઓની નામાવલિ પણ જોડવામાં આવી હતી. શિક્ષક સંધનું કહેવું છે કે “આ રાજ્ય સરકારની બેદરકારીનું પરિણામ છે; કેમકે અમે ચૂંટણીઓને સ્થગિત કરવાની માંગ કરી હતી પણ સરકારે ધ્યાન ન આપ્યું. ચૂંટણી ફરજમાં જનાર સ્ટાફને વેક્સિન આપવાની અને ચૂંટણીકાર્યનું પ્રશિક્ષણ ઓન લાઈન આપવાની અમે માંગણી કરી હતી પણ સરકારે ધ્યાન ન આપ્યું. હજારોની સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત થયા છે અને હોમ આઈસોલેશનમાં છે. પરંતુ એક પણ સરકારી અધિકારીએ આ બાબતે ધ્યાન આપ્યું નથી. એમના પરિવારો હોસ્પિટલમાં એક બેડ માટે ઝઝૂમી રહ્યા છે !”
શિક્ષક સંઘ દ્વારા 12 એપ્રિલ 2021 ના રોજ રાજ્ય ચૂંટણીપંચને પત્ર લખ્યો હતો કે “પંચાયત ચૂંટણી માટે પ્રશિક્ષણ દરમિયાન કોવિડ-19 ગાઈડ લાઈનનું પાલન થતું નથી. નિયમો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. ઉપસ્થિત શિક્ષકો/કર્મચારીઓ/અધિકારીઓ કોરોના સંક્રમણના ઢગલા ઉપર બેઠા હોય તેવું લાગે છે !” આ પત્રમાં, સંક્રમણથી બચવાના બધા ઉપકરણ આપવા/સંક્રમણ થાય તો સારવાર માટે 20 લાખ અને મૃત્યુ થાય તો પરિવારને 50 લાખની સહાયતા ચૂકવવાની માંગણી કરી હતી. જો કે આવી માંગણીનો કોઈ અર્થ નથી; ભીંતે માથા ભટકાવવાનો શો અર્થ? આ એ સરકાર છે જેને માત્ર મંદિરનિર્માણ જ રસ છે; પરંતુ વાસ્તવિક પ્રશ્નોમાં કોઈ રસ-રુચિ નથી ! એટલે જ 706 શિક્ષકોનો ભોગ લેવાયો. સહાયક શિક્ષક સૂરજ પ્રસાદને (ઉં 35) પંચાત ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી હતી. 21 એપ્રિલના રોજ શ્વાસની તકલીફ થતા તેમનું મૃત્યુ થયેલ. તેમના પત્ની નુપૂર કહે છે : “હું સરકારને પૂછવા માંગું છું કે રાજ્યમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે; ત્યારે ચૂંટણી માટે શિક્ષકોને શામાટે મૂકવામાં આવ્યા? શું તેઓ ઈન્સાન નથી? મારા પતિના મોતની જવાબદારી કોણ લેશે?” સૌથી આઘાતજનક બાબત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી કે વડાપ્રધાનને 706 શિક્ષકોના મોતની ઘટના સાવ નજીવી લાગે છે ! સંવેદનાનો એક શબ્દ પણ નહીં ! બીજા કોઈ દેશમાં આવી ઘટના બની હોત તો આખો દેશ શિક્ષકોની પડખે ઊભો રહી ગયો હોત અને PMની ઝાટકણી કાઢી તેને રાજીનામું આપવા મજબૂર કર્યા હોત !
પોતાની નોકરીના પ્રથમ મહિનામાં, 27 વર્ષની સહાયક શિક્ષિકા કલ્યાણી અગ્રહરિ 15 એપ્રિલના રોજ ચૂંટણી ડ્યુટી કરવા ઈચ્છતી ન હતી; કેમકે તેને આઠમો મહિનો જતો હતો. તેણે ચૂંટણી અધિકારીને ચૂંટણી ફરજ ઉપર ન મૂકવા લેખિત વિનંતિ કરી. પણ તેને કહેવામાં આવ્યું કે જો ચૂંટણી ફરજ ઉપર નહીં જાય તો FIR થશે અને પગાર પણ નહીં મળે ! પંદર દિવસ બાદ જોનપુરની હોસ્પિટલમાં કલ્યાણીનું મૃત્યુ થયું. તે પ્રથમ પગાર પણ લઈ શકી નહીં ! કલ્યાણીના પિતા સુરેશ કુમાર કહે છે : “મેં એને ભણાવી જેથી એ કંઈક બની શકે. પરંતુ સીસ્ટમથી શું મળ્યું? એક મોત. અમે ત્રણ દિવસ સુધી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ગયા પણ કોઈ જગ્યાએ બેડ ખાલી ન હતો. જ્યારે બેડ મળ્યો ત્યારે જીવ જતો રહ્યો !”
- રમેશ સવાણી
Post a Comment