અદાણી/અંબાણીનો વિકાસ થવાથી આપણો વિકાસ થાય?
વર્ષ 2020 -21 ના આર્થિક સર્વેમાં એવો તર્ક આપ્યો છે કે ભારતે આર્થિક અસમાનતા ઉપર ધ્યાન આપવાની જરુર નથી. જેમ જેમ આર્થિક વિકાસની ગતિ વધશે તેમ તેમ લોકો ગરીબીમાંથી બહાર નીકળતા જશે ! એટલે ભારતનું ધ્યાન આર્થિક અસમાનતા ઓછી કરવા ઉપર નહીં; પરંતુ આર્થિક વિકાસની ગતિ વધારવામાં અધિક હોવું જોઈએ ! આર્થિક વિકાસ થતો રહેશે અને સરકાર જનકલ્યાણની નીતિઓ થકી લોકોને ગરીબીમાંથી બહાર કાઢતી રહેશે. ટૂંકમાં મૂડીવાદથી જ આર્થિક પ્રગતિ થશે. અદાણી/અંબાણીનો વિકાસ થશે તો જ આમ જનતાનો વિકાસ થશે !
લોકડાઉન દરમિયાન સામાન્ય લોકોની આવક ઘટી ત્યારે અંબાણીને દર કલાકે 90 કરોડની આવક થતી હતી. વાસ્તવમાં બન્યું છે એવું કે આર્થિક અસમાનતાની સાથોસાથ ગરીબી પણ વધી છે. ગરીબી સાપેક્ષ છે. પ્રત્યેક વ્યક્તિ બીજી વ્યક્તિની સરખામણીમાં ગરીબ હોય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ભારતની મોટા ભાગની વસતિ; મુઠ્ઠીભર લોકોની સરખામણીએ ગરીબ છે. ભારતમાં, 86% લોકો રુપિયા 10,000થી ઓછી આવકમાં જીવે છે. એની પાસે એટલા પૈસા નથી કે સમયની સાથે સાથે મોંઘી થતી જીવનની આધારભૂત જરુરિયાતોને પૂરી કરી શકે. વિચારો; જો આર્થિક અસમાનતા ઉપર દ્યાન ન આપવામાં આવે તો શું ભારતની 86% વસતિ પોતાના બાળકોને ડોક્ટર/એન્જિનીયર/કલેક્ટર બનાવવાનું સ્વપ્ન જોઈ શકશે? બિલકુલ નહીં. ઓછી આવકના કારણે ભારતમાં મોટા ભાગની વસતિ મજૂર બનવાની તૈયારીમાં લાગેલી છે. શિક્ષણ અને જીવન સ્તર મોંઘું થવાને કારણે ગરીબોના બાળકોનું ભવિષ્ય મજદૂરી તરફ જઈ રહ્યું છે. અદાણી/અંબાણીનો વિકાસ થવાથી આપણો વિકાસ ન થાય ! વિનોબાજીએ નેહરુ સરકાર ઉપર તહોમત મૂક્યું હતું કે તમારી પંચવર્ષિય યોજનાઓમાં અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ કેમ થતો જાય છે? ત્યારે સરકારી અર્થશાસ્ત્રીઓએ વિનોબાજીને સમજાવ્યા હતા કે ‘સંપત્તિ વધશે તો નીચેના સ્તર સુધી પહોંચી જ જશે. ઉપરના સ્તરે પાણી પડશે, તો થોડું પાણી ઝમી-ઝમીને નીચે પહોંચશે જ. લાભો પર્કોલેટ થશે જ.’ વિનોબાજી કહે છે : “દિલ્હીમાં સૂર્યોદય થયો તો શું તમે કબૂલ કરશો કે સૂર્યોદય થયો? તમારા ઘરની સામે જ્યાં સુધી સૂર્યના કિરણો ન આવે, ત્યાં સુધી તમે એ વાત નહીં માનો. તો આ ગરીબ લોકો કેમ માને કે અમને સ્વરાજ મળ્યું?”
આર્થિક અસમાનતા દરમિયાન ગરીબીમાં વધારો કેમ થાય છે? માર્ક્સ કહે છે કે જ્યારે નોકરીઓ ઓછી થાય છે; અને મોટી વસતિને નોકરીની ઈચ્છા હોય છે; ત્યારે ઓછા દરે લોકોને નોકરીમાં રાખવામાં આવે છે. લોકો પોતાના માલિકો સાથે ભાવતાલ કરી શકતા નથી.’ આ સિધ્ધાંત આર્થિક અસમાનતાના માહોલમાં કામ કરે છે. સરકાર જનકલ્યાણની નીતિઓથી ગરીબી દૂર કરશે; તે વાત ઉપર ભરોસો મૂકી શકાય તેમ નથી. સરકારની કલ્યાણ યોજનાઓના લાભો પણ સમાજના બળૂકા લોકો ઊઠાવી જાય છે. ગરીબો એ મદદ ખેંચી શકતા નથી. મોટા મોટા પહાડો જેવી રીતે મેઘને ખેંચી લે છે; તેવી જ રીતે સમાજના ઉપલા સ્તરના લોકો સરકારની મદદો ખેંચી લે છે. ભારતની કુલ GDP 200 લાખ કરોડની છે; તેમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને 54 લાખ કરોડ રુપિયા ખર્ચ કરે છે; જે GDPના 27% છે; જે બહુ ઓછી કહેવાય. આ ખર્ચ ત્યારે સંભવ છે જ્યારે લોકોના ખિસ્સામાં પૈસા હોય અને તે ખર્ચ કરે. સરકારી કંપનીઓનું વેચાણ ચાલુ છે ત્યારે જનકલ્યાણનું કામ કઈ રીતે થશે? લોકોનું બુનિયાદી જીવન ઠીક કરવામાં સરકારને કેટલી રુચિ હોય? કોરોના મહામારીએ એ સાબિત કર્યું છે કે લોકોને આરોગ્ય સગવડો મળે તેમાં સરકારને રુચિ હોતી નથી ! આમ લોકોના જીવનને સુધારવા સરકાર તરફથી જેટલી મદદની જરુર હોય એટલી સરકાર તરફથી મળતી નથી. આર્થિક વિકાસના નામે આર્થિક અસમાનતા અને ગરીબી વધી રહી છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા આર્થિક વિકાસની ખૂબ જરુર છે પરંતુ એવા આર્થિક વિકાસની જે માત્ર આંકડાઓનો ન હોય. સવાલ એ છે કે શું આર્થિક વિકાસને એ રીતે પ્રતિબંધિત કરવો ન જોઈએ કે જેથી બધાના જીવન સ્તરમાં સુધારો થાય?
-રમેશ સવાણી
Post a Comment