CMએ PMને કહ્યું : ‘માત્ર મનની વાત ન કહો, કામની વાત કરો !’

વડાપ્રધાને 6 મે 2021ના રોજ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ટેલિફોન ઉપર વાત કરી. રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે જાણકારી મેળવી. આ વાતચીત પછી થોડાં કલાકોમાં CMએ ટ્વીટ કર્યું : “આજ આદરણીય પ્રધાનમંત્રીજીને ફોન કીયા. ઉન્હોંને સિર્ફ અપને મન કી બાત કી. બેહતર હોતા યદિ વો કામ કી બાત કરતે ઔર કામ કી બાત સુનતે !”
કોઈ CM; આવું PM માટે કહે તો તે PMનું અપમાન કહી શકાય. પરંતુ ઝારખંડના CMએ આવું ટ્વીટ કર્યું તે દર્શાવે છે કે PMએ CMની વાત સાંભળી ન હતી. કોરોના મહામારીની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી ઝારખંડને મદદ મળી નથી. વડાપ્રધાનના એક ચાહકે; દુર્વાસા મુનિને શરમાવે તે રીતે ક્રોધિત થઈને કહ્યું કે ‘ઝારખંડના CMની આ હિમ્મત? શું સમજે છે, એના મનમાં?’ મેં કહ્યું કે ‘શાંત થાવ, ભગતજી ! આ વડાપ્રધાન જ્યારે ગુજરાતના CM હતા ત્યારે દર અઠવાડિયે તત્કાલિન PM મનમોહનસિંહને ઉતારી પાડતા હતા; એ ભૂલી ગયા? જેવું વાવો તેવું લણો !’ ઝારખંડના આરોગ્ય સચિવ અરુણસિંહ કહે છે : “રેમડેસિવિર ઈન્જેક્શનની 2,181 બોટલ રાજ્યને મળી હતી. ઝારખંડ રેમડેસિવિરની 50,000 બોટલ બાંગ્લાદેશથી આયાત કરવા ઈચ્છે છે; પરંતુ હજુ સુધી કેન્દ્રની અનુમતિ મળી નથી !” અનુમતિ ક્યાંથી આપે? ઝારખંડમાં પોતાના પક્ષનીની સરકાર થોડી છે? વળી બાંગ્લાદેશથી આયાત કરે તો ‘વિશ્વગુરુ’નું નાક ન કપાઈ જાય?
છત્તીસગઢના CM ભૂપેશ બધેલએ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી સાથેની બેઠક અંગે કહ્યું હતું : “પ્રધાનમંત્રી સાથે જે બેઠક થાય છે; તે માત્ર વન-વે હોય છે. કોઈ જવાબ મળતો નથી.” જો મુખ્યમંત્રીઓની આ હાલત હોય તો વડાપ્રધાન લોકોને ગાંઠે ખરા? એમને લોકોની ચિંતા કરવાની પણ શી જરુર છે? લોકોના મગજને ‘કોર્પોરેટ હિન્દુત્વ’ના ખીલે બાંધી દીધા છે. કોઈ છટકી ન જાય તે માટે IT Cell અને ગોદી મીડિયા નફરતનું ખાતર આપ્યા કરે છે ! ચિંતાનો વિષય એ છે કે સ્મશાનોમાં લાશોની કતાર લંબાઈ રહી છે ત્યારે વડાપ્રધાન માત્ર બોલે છે; સાંભળતા નથી ! મુખ્યમંત્રીઓને પણ સાંભળતા નથી ! લોકોએ અપેક્ષા રાખવી નહીં; હા, તેમને સમયે સમયે ‘વસુધૈવ કુટુંબકમ વાળા હિન્દુત્વ’નો નહીં; પરંતુ ‘કોર્પોરેટ હિન્દુત્વ-હાડોહાડ સંકુચિત હિન્દુત્વ’નો ડોઝ જરુર મળી જશે !
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment