વિદેશના મીડિયાએ વડાપ્રધાનના દંભને ખૂલ્લો પાડ્યો તેથી મોટો ફાયદો થયો !

ભારતના મીડિયા સિવાય આખી દુનિયાના મીડિયા ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના મહાસંકટ માટે ‘વાયરસ’ કરતા સરકારની વ્યવસ્થાને જવાબદાર ગણે છે. તબાહી અને મોતોનું અસલી કારણ ભલે કોરોના સંક્રમણ હોય; પરંતુ ભારતના લોકોને બચાવવામાં કેન્દ્ર સરકારની બેજવાબદારી અને ગુનાહિત બેદરકારી જવાબદાર છે તેમ વિદેશના મીડિયા કહી રહ્યા છે. સરકારે પોતે સંક્રમણ ફેલાય તેવા નિર્ણયો કર્યા. વિધાનસભાની ચૂંટણીઓમાં ‘અપાર ભીડ’ એકત્ર કરવાની મંજૂરી આપી ! સત્તાપક્ષની સવલત માટે બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી 292 વિધાનસભા બેઠકો માટે, 8 તબક્કામાં ચૂંટણી યોજી. ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીઓ યોજી. ઉત્તરાખંડના હરિદ્વારમાં મોટા પાયે કુંભમેળાની મંજૂરી આપી !

USA નું અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ લખે છે : “હજારો લોકો મેચ જોવા ગયા; કુંભમેળામાં લાખોની ભીડ થઈ; ચૂંટણી રેલીઓ થઈ; અને કોરોના જીવ લેનારો બન્યો !” UKનું અખબાર ‘ગાર્ડિયન’ લખે છે : “ભારતના PM કોરોનાના વધતા કેસો વચ્ચે ચૂંટણી રેલીઓ કરતા રહ્યા ! ભારતમાં જે કંઈ બની રહ્યું છે તે માત્ર સરકારની નિષ્ફળતા નથી; પરંતુ તેમના તરફથી માણસાઈ સામે કરવામાં આવતો અપરાધ છે !” પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને કવર સ્ટોરી લખી છે : “અમીરોને પોતાની વગથી હોસ્પિટલમાં જગ્યા મળે છે; ગરીબ/મધ્યમવર્ગ રોડ ઉપર દમ તોડે છે. વડાપ્રધાનની નિષ્ફળતાને કારણે કોરોના ઘાતક બન્યો !” ઉપરાંત ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ / ‘વોલ સ્ટ્રીટ જર્નલ’/ ‘ધી ઓસ્ટ્રેલિયન’/ ‘સ્ટ્રેટ્સ ટાઈમ્સ’ અને બીજા અખબારો/મેગેઝિનોમાં ભારતના PMની કલઈ ઉખાડવામાં આવી છે. જ્યારે ભારતના અખબારો સરકારના માહિતીખાતાની અખબારીયાદીને પ્રથમ પાને મુખ્ય હેડિંગ સાથે ચમકાવે છે ! ટીવી ન્યૂઝ ચેનલો PMનું નામ લેવાને બદલે ‘સીસ્ટમ’ ઉપર ઠીકરાં ફોડે છે ! માણસાઈને/ સચ્ચાઈને સાથ આપવાને બદલે સત્તાને સાથ આપે છે !
આ સ્થિતિમાં વિદેશનું મીડિયા સત્યની સાથે ઊભું રહ્યું છે. BBC/CNN/DW/ ફ્રાન્સ-24/ અલ ઝઝીરા અને CNA જેવી અનેક ન્યૂઝ ચેનલો ઉપર ભારતની સ્થિતિ અંગે જે રીતે રીપોર્ટિંગ થઈ રહ્યું છે તે પત્રકારત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે ભારતી ન્યૂઝ ચેનલો કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે અને તેમાં ભક્તિનું તત્વ સૌથી વધારે હોય છે. વિદેશના મીડિયાએ વડાપ્રધાનના દંભને ખૂલ્લો પાડ્યો તેથી મોટો ફાયદો થયો ! વિદેશી અખબારો/ચેનલોના સાચા અહેવાલોનો ફાયદો એ થયો કે વિશ્વના દેશો; ભારતને તાત્કાલિક ‘સહાય’; જેમાં મેડિકલ ઉપકરણો/ ઓક્સિજન/ વેક્સિન/ દવાઓ/આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે. જેનાથી હજારો લોકોના જીવ બચશે. દંભ ઘાતક છે; સત્ય માનવીઓના જીવ બચાવે છે !
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment