હિન્દુઓના શબની અંતિમવિધિ મુસ્લિમોએ કરી માનવતાનો સંદેશ આપ્યો.
‘લક્ષ્મણો’ની આંખ ખૂલશે ખરી?
દિલ્હીના બુરાન્ડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં લક્ષ્મણ તિવારી (ઉં. 45) બાલ્કનીમાં પોતાના ચાર વર્ષના પુત્ર સાથે 17 કલાકથી રાહ જોઈ રહેલ હતા; કદાચ કોઈની મદદ મળી જાય ! 26 એપ્રિલ 2021 ના રોજ, સાંજના પાંચ વાગ્યે લક્ષ્મણની માતાનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થયેલ અને રાત્રે એક વાગ્યે તેમના પિતાનું અવસાન થઈ ગયું ! બન્નેની લાશો ઘરમાં પડી હતી પરંતુ તેને સ્મશાનઘાટ સુધી લઈ જવા લક્ષ્મણને કોઈની મદદની જરુર હતી એટલે તે રાહ જોઈને બાલ્કનીમાં બેઠા હતા. લક્ષ્મણ ભાડે રહેતા હતા; તે મૂળ ઉત્તરપ્રદેશના હતા. સ્થાનિક કોઈ સગા-સંબંધી ન હતા. લક્ષ્મણની પત્ની કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. ઘરમાં લક્ષ્મણની વૃધ્ધ દાદી હતા. લક્ષ્મણ પોતે કોરોના પોઝિટિવ હતા.
લક્ષ્મણે પોલીસ કંન્ટ્રોલ રુમને અને અન્ય ઈમરજન્સી સેવાઓને ફોન કરી જોયા પણ મદદ ન મળી. તેમણે વ્હોટસએપ ઉપર રાત્રે અઢી વાગ્યે મદદ માટે મેસેજ છોડ્યો. એ મેસેજ જોઈને સવારના ચાર વાગ્યે દિલ્હીના દૂર વિસ્તારમાં રહેતા ઈત્તેઝા કુરેશી અને સાદિકભાઈ; લક્ષ્મણ તિવારીના એપાર્ટમેન્ટ પાસે પહોંચીને ખાતરી કરી. મેસેજ સાચો હતો. બન્ને બુરાન્ડી પોલીસ સ્ટેશને ગયા. એક કલાક સુધી બેઠા પણ મદદ ન મળી. બન્નેએ ઈમરજન્સી નંબર ઉપર સંપર્ક કર્યો પણ એમ્બ્યુલન્સ/શબવાહિની ન મળી. તેમણે ‘હિન્દુસ્તાન લાઈવ’ના પત્રકાર Farhan Yahiya ને ફોન કરી જાણ કરતા તે સ્થળ ઉપર આવ્યા અને ‘લાઈવ’ કરી મદદ માંગી. ફરહાને બુરાન્ડી પોલીસ અધિકારીને; DCP નોર્થને ફોન કરી મદદ માટે વિનંતિ કરી. પ્રાઈવેટ એમ્બ્યુલન્સને વાત કરી તો ચાર કિલોમીટર દૂર સ્મશાનઘાટ સુધી ડેડબોડીને લઈ જવા 25000 માંગ્યા ! ફરહાને ફરી ફરી પોલીસને ફોન કર્યા પણ તેમનાથી વ્યવસ્થા ન થઈ. લક્ષ્મણને ચિંતા એ હતી કે ઘરમાં ડેડ બોડી ડીકમ્પોઝ થઈ રહી હતી અને પોતાના દાદી અને નાનો પુત્ર સંક્રમિત થઈ જશે ! કોરોના મહામારીની ભયંકરતાને કારણે ડર બેસી ગયો હોવાથી એપાર્ટમેન્ટમાં તથા પાડોશમાં રહેતા લોકો ઘરમાં જ પૂરાયેલ રહ્યા; કોઈ બહાર આવી મદદ કરવા તૈયાર ન હતું. છેવટે ફરહાનના ‘લાઈવ’ના કારણે બે કલાક બાદ ચા-પાંચ મુસ્લિમ લોકો મદદ માટે સ્થળ ઉપર આવ્યા અને લક્ષ્મણના માતા-પિતાની ડેડ બોડી સ્મશાને પહોંચાડી. કોરોના મહામારીના સમયમાં ચાર-પાંચ દિવસ પહેલાં, હિન્દુઓના શબની અંતિમવિધિ મુસ્લિમો કરે તેની સામે વડોદરાના સત્તાપક્ષના ધારાસભ્યને પેટમાં/માથામાં દુખાવો ઉપડ્યો હતો !
જ્યારે સરકાર/પોલીસ/વહિવટી તંત્ર નિષ્ફળ જાય ત્યારે હજારો લક્ષ્મણો અસહાય/વિવશ બની જાય છે અને એવા સમયે ધર્મ/જાતિના ભેદભાવ ભૂલીને માણસ; માણસની મદદે આવે છે. સવાલ એ છે કે ધર્મ/જાતિના ભેદ ઊભા કરી નફરત ફેલાવતા સત્તાપક્ષની આંખ ખૂલશે ખરી? IT Cell ના ઝેરીલા મેસેજો ફોરવર્ડ કરનારા ‘લક્ષ્મણો’ની આંખ ખૂલશે ખરી?
Post a Comment