ગાયના છાણા ઉપર દેશી ધી નાખી સળગાવવાથી ઓક્સિજન બને?

ભારતમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે અને વૈજ્ઞાનિક અભિગમ પ્રગટાવતા શિક્ષણનું પ્રમાણ સાવ ઓછું છે. આપણે માનીએ છીએ કે ગંગામાં ડૂબકી મારીએ તો પાપ ધોવાઈ જાય છે અને ગમે તેવો વાયરસ પણ ધોવાઈ જાય છે ! આપણે માનીએ છીએ કે બળિયાદેવના મંદિરે સામૂહિક શોભાયાત્રા કાઢીને જળનો અભિષેક કરીએ તો કોરોના વાયરસ ખતમ થઈ જાય છે ! મહામારીના સમયે સરકાર જ્યારે હાથ ઊંચા કરીને ઊભી રહી જતી હોય ત્યારે લોકો પણ શું કરે? એમને આવી અંધશ્રદ્ધા જ ટકાવી રાખતી હોય છે ! 8 મે 2021 ના રોજના અખબારોમાં સમાચાર છે કે ‘ગુજરાતમાં ઓક્સિજનના અભાવે 11,500 બેડ ખાલી રાખવા પડ્યા છે !’ આખા ભારતમાં કુલ કેટલાં બેડ ખાલી રાખવા પડ્યા હશે; એનો અંદાજ લગાવીએ છીએ ત્યારે થથરી જવાય છે ! મોટાભાગના મોત તો ઓક્સિજનની અછતના કારણે થઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારે ચારેબાજુ બરાબર આગ લાગી છે ત્યારે કૂવો ખોદવાનો નિર્ણય કર્યો છે. કૂવો ખોદવાનું કામ ચાલુ કર્યું નથી ! આવી સ્થિતિમાં લોકો જાતજાતની યુક્તિઓ અજમાવે છે. ઘરમાં જ ઓક્સિજન બનાવી શકાય છે; એવો નુસખો કોઈ સોશિયલ મીડિયામાં શેયર કરે તો લોકો એનો અમલ કરે છે. એક નુસખો એ છે કે ‘ગાયના ગોબરમાંથી બનાવેલ છાણા ઉપર દેશી ઘી નાખી સળગાવવાથી ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે ! 10 ગ્રામ ઘીથી 1000 ટન હવાને ઓક્સિજનમાં કન્વર્ટ કરી શકાય છે ! ભારતના રુષિમુનિઓએ હજારો વર્ષ પહેલા આ શોધ કરી હતી !’ આ નુસખો ટ્વિટર/ WhatsApp ઉપર ઝડપથી શેયર થઈ રહ્યો છે. આપણે જેને પવિત્ર માની લઈએ; પછી તેનું છાણ/મૂત્ર બધું પવિત્ર લાગવા લાગે છે. આપણે વિચાર્યા વિના સામૂહિક સંમોહનનો શિકાર બની જઈએ છીએ. પાડોશી નુસખો અજમાવે એટલે આપણાથી રહેવાય નહીં. કોર્પોરેટ બાબાઓ/સ્વામિઓ/શ્રી શ્રીઓ/સદગુરુઓ/બાપૂઓ પણ આવા નુસખાઓને ટેકો આપી સરકારની નિષ્ફળતા તરફ લોકોનું ધ્યાન ઓછું જાય તે માટે હવાતિયાં મારતા હોય છે !
’ક્વિન્ટ’ વેબ પોર્ટલે આ દાવાનો પર્દાફાશ કર્યો છે. IIT બોમ્બેના કેમિકલ એન્જિનીયરિંગના પ્રોફેસર અભિજીત મજૂમદાર કહે છે : “સળગવાની પ્રક્રિયામાં ઓક્સિજનની જરુર પડે છે. તમે કોઈ પણ વસ્તુ સળગાવો; તેમાંથી ઓક્સિજન પેદા ન થાય. ઉલટાનું એ પ્રક્રિયામાં ઓક્સિજનની જરુર પડે છે ! બીજું કે એક તત્ત્વનું બીજા તત્વમાં રુપાંતર માત્ર ન્યૂક્લિયર રીએક્શનની મદદથી જ થઈ શકે. આ રીએક્શન માટે એટલા તાપમાનની જરુર પડે કે તેના માટે સૂર્યના મધ્ય ભાગમાં જવું પડે ! જો તમે રુમમાં ધુમાડો કરો તો તેનાથી શ્વાસની સમસ્યાથી તરફડી રહેલ બીમાર વ્યક્તિને પરેશાની થઈ શકે છે.”
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment