ગાયના છાણથી ઉપચાર કરવા જેવો છે?
આપણે ત્યાં કોઈને પવિત્ર માનવામાં આવે એટલે તેમની બધી વસ્તુઓ પવિત્ર લાગવા લાગે છે ! આપણે સીલેક્ટિવ બની જઈએ છીએ.આશારામ/રામદેવ/જગ્ગી સદ્ગુરુ/શ્રી શ્રી/ સ્વામિઓ/બાપૂઓની દરેક હરકતમાં આપણને આધ્યાત્મિકતા દેખાય છે ! ગાયને પવિત્ર માની એટલે એનું મૂત્ર/છાણ પણ પવિત્ર અને દિવ્ય બની જાય છે ! છાણ-મૂત્ર ખાતર તરીકે ઉપયોગી થાય પરંતુ ગાયનું મૂત્ર પીવાથી કે ગાયની પીઠ ઉપર સ્પર્શ કરવાથી કેન્સર મટી જાય; છાણનું શરીર ઉપર લીંપણ કરવાથી કોરોના મટે એવી દિવ્ય વાતો આપણા ગળે તરત જ ઊતરી જાય છે ! તેનું કારણ એ છે કે આપણે ગાયને પવિત્ર માનીએ છીએ !
અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપર SGVP-સ્વામિનારાયણ ગુરુકૂળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ છે. તેમાં ગૌશાળામાં 200 ગાયો છે. એક મહિનાથી દર રવિવારે 15 લોકો અહીં આવે છે અને ગાયના છાણ-મૂત્રનો શરીર ઉપર લેપ લગાડે છે; ત્યારબાદ ગાયના દૂધથી શરીર ધોઈ નાખે છે ! તેઓ માને છે કે આમ કરવાથી કોવિડ-19 સામે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધે છે !
માની લઈ કે ગાયનું છાણ ઉપયોગી છે; તો બળદ/ભેંશનું છાણ બિનઉપયોગી કેમ? સવાલ એ છે કે શું ગાયના છાણથી ઉપચાર કરવા જેવો છે? ગાંધીનગર સ્થિત Indian Institute of Public Health ના ડાયરેક્ટર ડો. દિલીપ માવલંકર કહે છે : “મારા ધ્યાનમાં હજુ સુધી કોઈ રીસર્ચ નથી આવ્યું કે જેથી એ સંકેત મળે કે શરીર ઉપર છાણ લગાવવાથી કોરોના વાયરસ સામે રોગ પ્રતિરોધક ક્ષમતા વધે !” IMA-Indian Medical Associationના મહિલા શાખાના અધ્યક્ષ ડો. મોના દેસાઈ કહે છે : “આ પાખંડ છે. આ ઉપચાર નથી. ગાયના છાણથી fungal infection- Mucormycosis -મ્યૂકોરમાઈકોસિસ સહિત બીજા સંક્રમણ થઈ શકે છે !”
-રમેશ સવાણી
Post a Comment