‘રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા !’
કોરોના મહામારીએ માણસ પાસેથી માણસાઈ છીનવી લીધી છે. ખાનગી હોસ્પિટલો લોકોને નીચોવી રહી છે. નકલી રેમડેસિવિર ઈન્જેક્શનો/નકલી દવાઓ/નકલી વેન્ટિલેટર-ધમણીઓ/ઠગ બાબાઓે/ડોક્ટર વગરની 900 બેડની હોસ્પિટલોએ હજારો લોકોને સ્મશાનોએ પહોંચાડ્યા છે. રોજે લાશો એટલી આવી કે લાકડાઓ ખૂટી પડ્યા; કબ્રસ્તાનોમાં જગ્યા ન રહી.
બે દિવસમાં, 10-11 મે 2021ના રોજ, બિહારના બક્સરમાં ગંગા નદીમાં 71 લાશો તરતી મળી આવી ! આ લાશો ઉત્તરપ્રદેશ તરફથી બિહાર તરફ આવી હતી. લાશોને ગીધ અને કૂતરા ખાઈ રહ્યા હતા. લાશોના ફોટાઓ/વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી તંત્ર દોડતું થયું હતું. બિહાર પ્રશાશન કહે છે કે આ લાશો ઉત્તરપ્રદેશ તરફથી આવી છે; અમારી જવાબદારી નથી. બિહારને અડીને આવેલ ઉત્તરપ્રદેશના જિલ્લાનું તંત્ર કહે છે કે આ લાશો આગળના જિલ્લામાંથી તરતી તરતી આવી છે; અમારી જવાબદારી નથી. આગળનું જિલ્લાતંત્ર તેનાથી આગળના જિલ્લા તરફ આંગળી ચિંધે છે. ઉત્તરપ્રદેશની સરકાર કહે છે કે અમને ખબર જ નથી ! કોઈની જવાબદારી નથી; ગંગામાતાની જ જવાબદારી છે; એમણે શામાટે સરકારના પાપ ધોવા જોઈએ? ગંગા કોરોના અટકવી ન શકે; પણ સરકારના પાપ જરુર છૂપાવી શકે ! સવાલ એ છે કે લોકો ગંગા નદીને જ શબવાહિની કેમ બનાવી દે છે? લોકો લાશોને ગંગા નદીમાં શામાટે વહાવી દે છે? ચાર મુખ્ય કારણ છે : [1] પ્રશાસને મોતનો આંકડો છૂપાવવા ગંગામાતાની સહાય મેળવી હોય. [2] લાશના અંતિમ સંસ્કાર કરવાના સ્વજન પાસે પૈસા ન હોય. [3] સ્મશાનોમાં કલાકો સુધી રાહ જોવા છતાં અગ્નિદાહ માટે વારો આવે તેમ ન હોય ! [4] કોરોનાના કારણે મોત થતાં સંક્રમણના ડરને કારણે અંતમવિધિ કરવાને બદલે લાશને ગંગામાં ફેંકી દે.
સવાલ એ પણ છે કે કોરોનાવાળી ડેડબોડીથી પાણી સંક્રમિત થાય કે નહીં? ICMR-Indian Council of Medical Research ના ચેરમેન ડો. બલરામ ભાર્ગવ કહે છે કે ‘વાયરસના વિકાસ માટે માનવ શરીરની જરુર પડે. જો માનવ શરીર મૃત હોય તો તેમાં વાયરસ વિકસી શકે નહીં. વાયરસને હોસ્ટ ન મળે તો આગળ ફેલાઈ શકે નહીં.’ સંક્રમણ ભલે ન થાય, પ્રદૂષણ તો થાય જ. ગંગાકાંઠાની આજુબાજુ આવેલ ગામડાઓમાં કોરોના મહામારીના કારણે અસંખ્ય લોકો મરી રહ્યા છે; સ્થિતિ અતિ ગંભીર છે. ગંગા નદીમાં વહેતા શબો કોણ નાખે છે; તે ઉત્તરપ્રદેશની સરકાર શોધી શકી નથી. શોધે તો સરકારની ઈમેજ ખરડાઈ જાય ! એટલે કવિયત્રી પારુલ ખખ્ખર કહે છે : ‘રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા !’ આ લાશો સરકારી ચોપડે નોંધાયેલી પણ ન હોય. મોતનો સાચો આંકડો બહાર ન આવે તેની જ સરકારને ચિંતા હોય; ગંગામાતાની નહીં !
-રમેશ સવાણી
Post a Comment