મેડિકલ જર્નલ ‘લાંસેટ’એ વડાપ્રધાનની આકરી આલોચના કેમ કરી?
1823 માં શરુ થયેલ વિશ્વના મશહૂર મેડિકલ જર્નલ- ‘The Lancet’-‘લાંસેટ’માં 8 એપ્રિલ 2021 ના રોજ, ભારતના વડાપ્રધાનની આકરી આલોચના કરવામાં આવી છે. લાંસેટ editorialમાં લખે છે : [1] ધ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશનની ચેતવણી મુજબ ભારતમાં 1 ઓગષ્ટ 2021 સુધીમાં 10 લાખ લોકોના મોત થશે ! આ રાષ્ટ્રીય તબાહી માટે વડાપ્રધાન જવાબદાર હશે ! [2] હોસ્પિટલ ભરાયેલી છે; હેલ્થ સ્ટાફ થાકી ગયો છે અને સંક્રમિત થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર હતાશા દેખાઈ રહી છે. ડોક્ટર અને દર્દીઓ મેડિકલ ઓક્સિજન માંગી રહ્યા છે. બેડ/વેન્ટિલેટર/દવાઓ/ઈન્જેકશનો માંગી રહ્યા છે. [3] મોટા મેળાવડા સુપરસ્પ્રેડર બનશે તેવી ચેતવણી મળી હતી છતાં સંક્રમણ ઘટે તેવા પગલાં લેવાને બદલે કુંભમેળાની મંજૂરી આપી. ચૂંટણીસભાઓ/રેલીઓમાં ભીડ એકત્ર કરી. કોરોના પ્રોટોકોલની મજાક ઉડાવી ! [4] કોરોનાની પ્રથમ લહેર ધીમી પડતા ઢીલ મૂકી દીધી. નિષ્ણાતોએ બીજી લહેર અને નવા સ્ટ્રેનની ચેતાવણી આપી હતી છતાં સરકારે ધ્યાન ન આપ્યું. [5] એવું ખોટું આંકલન કરી લીધું કે ભારત હર્ડ ઈમ્યુનિટીના સ્તર સુધી પહોંચી ગયું છે. એટલે કોરોના સામે જુસ્સાપૂર્વક તૈયારી કરવામાં ન આવી. વાસ્તવમાં ICMR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ મુજબ માત્ર 21% લોકોમાં કોરોના સામે એન્ટિબોડી વિકસિત થઈ શકી હતી. જ્યારે બીજી લહેર શરુ થવાની હતી ત્યારે; માર્ચ 2021ની શરુઆતમાં ભારતના હેલ્થ મિનિસ્ટરે ઘોષણા કરેલ કે કોરોના વાયરસ ઉપર જીત મેળવી લીધી છે ! [6] વેક્સિનેશન અભિયાનની શરુઆત ધીમી રહી. 2% થી ઓછી વસતિનું વેક્સિનેશન થયું. રાજ્ય સરકારો સાથે ચર્ચા/વિમર્શ કર્યા વિના વેક્સિનેશનની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા. જેથી લોકોને હાલાકી ભોગવવી પડી. [7] ભારતના PM કોરોના મહામારી સામનો કરવાને બદલે આલોચનાઓને દબાવવામાં વધુ ધ્યાન આપે છે. લોકોએ ટ્વિટર ઉપર PMની આલોચના કરી તે ટ્વીટ્સ સરકારની સૂચનાથી હટાવી દેવામાં આવી ! ટ્વિટર ઉપર જેમણે બેડ/ઓક્સિજનની માંગણી કરી તે દેશદ્રોહ હોય એ રીતે તેમની વિરુધ્ધ નેશનલ સીક્યુરિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી તે ઉચિત ન કહેવાય. શું મેડિકલ હેલ્પ માંગવી તે ગંભીર ગુનો છે? આવા મુશ્કેલ સમયે પોતાની આલોચના અને ખૂલ્લી ચર્ચાને દબાવવાની વડાપ્રધાનની કોશિશ માફીપાત્ર નથી !
Post a Comment