હોસ્પિટલના ગેઈટ પાસે મોટા હોર્ડિંગ મૂક્યા : ‘અહીં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે !’
કોરોના મહામારીમાં લોકો ત્રાહિમામ છે. હોસ્પિટલોથી લઈને સ્મશાનો સુધી અંધાધૂંધી છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની હોસ્પિટલ ઊભી કરી પણ પણ લોકો સારવાર વિના ટટળતા રહ્યા. સરકાર પોતાની નિષ્ફળતા/અણઆવડત ઢાંકવા જાતજાતની યુક્તિ-પ્રયુકિતઓ કર્યા કરે છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં લાલા લજપતરાય મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડના ગેઈટ પાસે મોટું બોર્ડિંગ લગાવ્યું છે : ‘આ હોસ્પિટલમાં બહારથી ઓક્સિજન લાવવો નહીં. અમારી પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે !’
વાસ્તવમાં પરિસ્થિતિ શું છે; તે જાણવા ‘ન્યૂઝલોન્ડ્રી’એ 4 મે 2021ના રોજ, હોસ્પિટલની મુલાકાત લીધી. ત્યાં આસ્થાનો પરિવાર મળ્યો. આસ્થાના લગ્ન હરીદ્વારમાં થયા હતા. તેના પિતા મેરઠના કમિશ્નરને ત્યાં કામ કરે છે. આસ્થા બીમાર પડતા ઈલાજ માટે મેરઠ બોલાવી લીધી. એને વિશ્વાસ હતો કે ભલામણથી આસ્થાને સારવાર મળી જશે; પરંતુ ઓક્સિજનની અછતના કારણે 35 વરસની આસ્થાનું મોત થયું. મેડિકલ કોલેજના કોરોના વોર્ડ અને ઈમરજન્સી વોર્ડની સ્થિતિ બેહદ ખરાબ હતી. લોકો ફર્શ પર ચાદર બિછાવીને ઈલાજ કરાવતા હતા. 48 વરસની રેખા વર્મા પોતાની માતા ચમેલીદેવીને લઈને આવી હતી. તેની સાથે ખાટલો, બિસ્તર હતા. ચમેલીદેવીને ઓક્સિજનની જરુર હતી, પરંતુ કલાકો સુધી રાહ જોઈ છતાં ઓક્સિજન ન મળ્યો ત્યારે માતાને લઈને પરત જતી રહી. તેણે ‘ન્યૂઝલોન્ડ્રી’ને કહ્યું કે ‘અહીં કોઈ સારવાર મળતી નથી. માતાને ઘેર લઈ જાવ છું. ઓક્સિજન મળે તો ઠીક; નહીંતો મુખ્યમંત્રી યોગીજીએ મરવા માટે છોડી જ દીધા છે ! તેઓ ગરીબોને હટાવવાની કોશિશ કરી રહ્યા છે !’ મેરઠના માધોપુરમ વિસ્તારમાં રહેતા કમલ છાબડા; તેમની ભાભી લતાને લઈને અહીં આવ્યા હતા. લતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. કમલ છાબડાએ ‘ન્યૂઝલોન્ડ્રી’ને કહ્યું કે ‘હોસ્પિટલમાં ઓક્સિજન માટે પૈસા સેવામાં આવે છે. બે બેડ વચ્ચે એક સિલિન્ડર અમે હજાર-હજાર આપીને લીધો. ભાભીને અને બાજુના દર્દીને એક જ સિલિન્ડરમાંથી ઓક્સિજન અપાતો હતો. કોઈ ઈલાજ થતો ન હતો.’
થોડીવારમાં લતાના શ્વાસ થંભી ગયા. તેમના લગ્ન બે મહિના પહેલા થયા હતા. હોસ્પિટલે લતાના અંતિમ સંસ્કારના કાગળો આપ્યા તેમાં મોતનું કારણ દર્શાવ્યું હતું : ‘ઓક્સિજનની ખામી !’
-રમેશ સવાણી
Post a Comment