પોતાની એમ્બ્યુલન્સમાંથી તરફડતી વ્યક્તિઓને ઓક્સિજન આપ્યો; તેથી પોલીસે ગુનો નોંધ્યો !

ડૂબતા માણસને આપણે એવું કહીએ કે થોડી ધીરજ રાખ; આવતી કાલે તને બચાવીશ; તો એનો કોઈ અર્થ ખરો? જંગલરાજમાં જ બને એવી એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. 29 એપ્રિલ 2021 ના રોજ, જોનપુર જિલ્લા હોસ્પિટલની બહાર બેડ અને ઓક્સિજન ન મળવાને કારણે કેટલાંક દર્દીઓ તરફડી રહ્યા હતા. તે સમયે એમ્બ્યુલન્સ સંચાલક વિક્કી અગ્રહરિએ પોતાની એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજનનો સિલિન્ડર કાઢીને દર્દીઓને ઓક્સિજન આપેલ. દર્દીઓને ઓક્સિજન આપ્યો જ કેમ? સરકારને માઠું લાગી ગયું ! નબળી સરકાર પોલીસના બળે 56 ઈંચ સુધી છાતી ફૂલાવતી હોય છે ! પોલીસે, વિક્કી સામે સરકાર સામે ખોટો પ્રચાર અને દર્દીઓને ખોટી રીતે ઓક્સિજન આપવા સબબ 30 એપ્રિલના રોજ, IPC કલમ-188/ 269 તથા મહામારી અધિનિયમ 1891 ની કલમ-3 હેઠળ FIR નોંધી !

વિક્કીને એરેસ્ટ કરવા પોલીસે તેમના ઘેર રેઈડ કરી. વિક્કી હાથમાં ન આવ્યો. એમ્બ્યુલન્સમાંથી બે સિલિન્ડર કબજે કરી લીધા. પોલીસ વિક્કીના ભાઈ દુર્ગેશના ઘેર પહોંચી અને દુર્ગેશને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસની આ કાર્યવાહીની મીડિયામાં આલોચના થતાં બે કલાક બાદ દુર્ગેશને છોડી મૂકેલ તથા બન્ને સિલિન્ડર પણ પરત કરી દીધા ! વિક્કીની ઉંમર 37 વરસની છે. તે જોનપુરના ચૌકિયા મીરપુર મહોલ્લામાં પોતાના માતા-પિતા, નાના ભાઈ, પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. 2004થી એમ્બ્યુલન્સ ચલાવી પરિવારનું પેટ ભરે છે. હાલે તેમની પાસે બે એમ્બ્યુલન્સ છે.
વિક્કી કહે છે : “હું 29 એપ્રિલના બપોરે 1:30 વાગ્યે, જિલ્લા હોસ્પિટલની બહાર મારી એમ્બ્યુલન્સ સાથે હાજર હતો. ત્યારે મેં જોયું કે 16-17 વરસનો એક કિશોર દમ તોડી રહ્યો હતો. તેમના પરિવારજનો વ્યાકુળ બની ગયા હતા. હોસ્પિટલમાં જગ્યા ન મળવાને કારણે તેઓ બહાર બેઠાં હતાં. કિશોર કહી રહ્યો હતો કે પોતાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હું આ ન જોઈ શક્યો. મેં એમ્બ્યુલન્સમાંથી જમ્બો સિલિન્ડર કાઢી ઓક્સિજન આપ્યો. સાંજના ચાર વાગ્યા સુધી કુલ 12 જેટલાં દર્દીઓને ઓક્સિજન આપ્યો. તે માટે દર્દીના પરિવારજનોએ મને પૈસા આપી રહ્યા હતા પરંતુ મેં પૈસા લેવાનો ઈન્કાર કર્યો. પોલીસ મને એરેસ્ટ ન કરે તે માટે બે દિવસથી નાસતો ફરું છું. બે દિવસથી ખાધું પણ નથી. મને જેલમાં જવાનો ડર નથી; પરંતુ પોલીસ ટોર્ચર કરશે તેનો ડર છે. મને જેલમાં મોકલી આપો. જેલમાંથી છૂટીને આવીશ ત્યારે ફરી આવી પરિસ્થિતિ જોવા મળશે તો હું ફરી મદદ કરીશ ! તરફડતા દર્દીઓને ઓક્સિજન આપવો તે કઈ રીતે ગુનો બને?”
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment