ગાયત્રીમંત્રના ઉચ્ચારણથી કોરોના સંક્રમણ અટકે?

આપણે ત્યાં મંત્રશક્તિથી ગમે તે પરિણામ મેળવી શકાય છે; તેવી માન્યતા છે. કેટલાંકનો દાવો છે કે સાચા મનથી અમદાવાદમાં મંત્ર ઉચ્ચારીએ તો ન્યૂયોર્કમાં કામ થઈ જાય ! શબ્દમાં/સંગીતમાં શક્તિ હોય છે. અસરકારકતા હોય છે. મંત્રો મનની એકાગ્રતા લાવી શકે. ભજનિક પ્રહલાદજી; કબીરનું કોઈ ભજન ગાય ત્યારે મન પ્રસન્ન થઈ ઊઠે છે !

કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલો બહાર દર્દીઓની કતાર છે અને સ્મશાનો બહાર લાશોની. આવા સમયે કોરોના મહામારીનો સામનો બળિયાદેવ ઉપર જળ અભિષેકથી કે ગાયત્રીમંત્રથી થઈ શકે? ગાયત્રીમંત્રના ઉચ્ચારણથી કોરોના સંક્રમણ અટકે? વડાપ્રધાન કહે છે કે ભારતમાં સર્જવાનો એટલો વિકાસ થયો હતો કે હાથીના મદનિયાનું માથું ગણેશજીના માથાની જગ્યાએ ફિટ કરી શકાતું હતું ! જ્યારે વડાપ્રધાન પોતે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા ન હોય; ત્યારે સરકારીતંત્ર વૈજ્ઞાનિક ઉપાયો કરવાને બદલે મંત્રશક્તિના રવાડે ચડી જાય છે ! 20 માર્ચ 2021 ના રોજ ‘હિન્દુ’માં સમાચાર છે કે એમ્સ રુષિકેશમાં કોરોનાના અમુક દર્દીઓ ઉપર ગાયત્રીમંત્રની શું અસર પડે છે; તે અંગે સંશોધન કરવા ICMR-Indian Council of Medical Research દ્વારા ફંડ ફાળવવામાં આવેલ છે. સરકાર વિજ્ઞાનમાં માનવાને બદલે મંત્રતંત્રમાં માનવા લાગે ત્યારે માઠા પરિણામ ભોગવવાનો વારો આવે ! ‘સંકલ્પ બળ’ જરુરી છે, ટકવા માટે. પરંતુ માત્ર સંકલ્પબળના આધારે બેસી રહેવાય નહીં. ‘ફેઈથ હીલિંગ’થી કોરોના અટકે નહીં ! સાયકોલોજી કામ કરે, અંધશ્રદ્ધા નહીં.
ગાયત્રીમંત્રના રટણથી કોરોના સંક્રમણ ન અટકે ! ગાયત્રીમંત્રના જપથી કોરોના દૂર થઈ શકે નહીં. ગાયત્રીમંત્ર એ ઋગ્વેદની એક ઋચા માત્ર છે. જેનો અર્થ છે : ‘એ સૂર્યદેવતાના ઉત્તમ તેજનું અમે ધ્યાન ધરીએ છીએ. જે અમારી બુધ્ધિને પ્રેરો !’ આ મંત્રનો ભાવાર્થ છે માણસે પોતાની વિવેકબુદ્ધિને વધુમાં વધુ જાગૃત કરવા લાગી જવું જોઈએ. મંત્રના રટણ કરવાથી કોઈ ફાયદો ન થાય. ચાલાક લોકોએ મંત્રમાંથી ગાયત્રીની મૂર્તિ બનાવી; સંપ્રદાય બનાવ્યો અને ચમત્કારો પણ જોડ્યા. પરંતુ કોઈએ એ ન વિચાર્યું કે ગાયત્રીમંત્રમાં ખરેખર શક્તિ હતી તો ભારતના લોકો મોગલ અને અંગ્રેજોના ગુલામ કેમ બન્યા? આખી દુનિયામાં સૌથી વધારે ધાર્મિક મંત્રોનો જાપ/યજ્ઞો/પારાયણો/સામૈયાઓ વગેરે ભારતમાં થતું હોવા છતાં આ દેશનો ક્યો પ્રશ્ન હલ થયો? મંત્રોના રટણથી ભૌતિક પરિણામ મળે નહીં. મંત્રોના ઉચ્ચારણથી કોઈ ચમત્કાર થઈ શકે નહીં. સવાલ એ છે કે જો સ્વામિનારાયણના વડા સંકલ્પ બળથી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી ત્યારે વરસાદ વરસાવી શકતા હોય તો ન્યૂજર્સીના પોતાના મંદિરમાં FBI ની રેઈડ કેમ અટકાવી શકતા નથી? આપણે ‘લૌકિક સમસ્યા’ઓનો ઉકેલ ‘અલૌકિક’ રીતે લાવવાનો વ્યર્થ પ્રયત્ન શામાટે કરીએ છીએ? ગાયત્રીમંત્ર/ નવકારમંત્ર/ ઓમ નમો શિવાય/ગીતાના શ્લોકો/કુરાનની આયાતો/ બાઈબલના સૂત્રોનો જાપ; એ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે, તેમ ધર્મગુરુઓ કહે છે; તે નર્યું મિથ્થા ગૌરવ છે. કોઈ પણ ધર્મના કોઈ પણ મંત્રથી ચીમળાયેલું ગુલાબ તાજું થઈ શકે નહીં !
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment