પશ્ચિમ બંગાળમાં હિંસા પાછળ કોનો હાથ?
પશ્ચિમ બંગાળમાં 2 મે 2021 ના રોજ વિધાનસભાની મતગણતરીમાં મમતા બેનર્જીના પક્ષ TMC નો ભવ્ય વિજય થયો. ત્યાર બાદ ત્યાં રાજકીય હિંસા શરુ થઈ; જેમાં સત્તાપક્ષના (આ પોસ્ટમાં ‘સત્તાપક્ષ’ એટલે કેન્દ્રનો સત્તાપક્ષ એ રીતે વાંચવું) 9 લોકો અને TMCના 7 લોકોની હત્યા થઈ !કોઈની પણ હત્યા થાય તે ચલાવી લેવાય નહીં. આવી હત્યાઓ સત્તાપક્ષ કરાવે કે વિપક્ષ તે શરમજનક અને નિંદાપાત્ર જ કહેવાય.
થોડાં પ્રશ્નો : [1] આ હત્યાઓ હજુ મમતા બેનર્જીએ CM તરીકે શપથ લીધા ન હતા ત્યારે થઈ હતી. એટલે મમતા બેનર્જીના હાથ ખૂનથી રંગાયેલા છે; તેવું દિલ્હીના સત્તાપક્ષના નેતાઓ કહે; તે કેટલે અંશે ઉચિત? [2] મમતા બેનર્જી ફરી મુખ્યમંત્રી બનવાના હતા; તો શામાટે તે હત્યાઓ કરાવે? [3] બંગાળની હિંસા માટે સત્તાપક્ષે દેશભરમાં ‘ધરણા’નો કાર્યક્રમ યોજ્યો; તેનો હેતુ શો છે? શું કોરોના મહામારીમાં રોજે હજારો મોત થઈ રહ્યા છે; તે અંગે ધરણા યોજવાનું કેમ સૂઝતું નથી? [4] ઉત્તરપ્રદેશમાં મોબ લિન્ચિંગમાં નિર્દોષ લોકોના જીવ ગયા ત્યારે સત્તાપક્ષે શામાટે ધરણા યોજ્યા ન હતા? [5] દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષને ભૂંડી હાર મળી હતી. તે સમયે CAA સામેના આંદોલનને આગળ કરીને; સત્તાપક્ષના કપિલ મિશ્રા/અનુરાગ ઠાકુર/રાગિણી તિવારી જેવા નફરતબાજોએ દિલ્હીમાં કોમી હિંસા ભડકાવી હતી; જેમાં અનેક લોકોના જીવ ગયા; ત્યારે સત્તાપક્ષે શામાટે ધરણા યોજ્યા ન હતા? શું સત્તાપક્ષ દિલ્હી પેટર્ન મુજબ પશ્ચિમ બંગાળમાં કોમીદંગાઓ કરાવવા ઈચ્છે છે? [6] એક હિન્દુ મહિલાની લોહીથી ખરડાયેલી તસ્વીર સત્તાપક્ષના નેતાઓ/કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી અને ગોદી મીડિયાએ પણ આ તસ્વીર ચમકાવી. ઈશા બજાજ નામના યુઝરે લખ્યું કે ‘આબરુ લૂંટાઈ ગઈ બંગાળની. શું આ મહિલા નથી? શું બંગાળની બેટી નથી? શું બંગાળી અને મહિલા કેવળ મમતા જ છે? ધિક્કાર છે એમને જેઓ હજુ પણ મમતાનું બેશરમીથી સમર્થન કરે છે !’ ‘altNews’એ ફેક્ટ-ચેક કર્યું તો તસ્વીર બંગલાદેશની હિન્દુ મહિલાની નીકળી ! આ તસ્વીર 1 નવેમ્બર 2020ની હતી ! [7] મેદિનીપુરમાં, સત્તાપક્ષની એક મહિલા કાર્યકર્તા ઉપર 6 લોકોએ સામૂહિક બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી છે; તેમ કહી ફોટા સાથે સત્તાપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા ઉપર ખબર ચલાવી. ગોદી મીડિયાએ પણ આ ખબર ચલાવી. સત્તાપક્ષના સાંસદ સૌમિત્ર ખાને આ તસ્વીર સાથે ટ્વીટ કર્યું કે ‘હાથરસ પર રાજનીતિ કરવામાં રુચિ હતી. મેદિનીપુર નહીં? કોલકાતાના એલિટ લોકો ક્યાં છે? અને મીણબત્તી કેમ પેટાવવામાં આવતી નથી?’ પરંતુ આ મૃતકના કાકાએ કહ્યું કે મરનાર સત્તાપક્ષની કાર્યકર્તા ન હતી. પોલીસે કહ્યું કે આ મર્ડર તેમના ઘેર કામ કરતા મિસ્ત્રીઓએ કર્યું હતું અને તેમને એરેસ્ટ કરેલ છે. આ મર્ડરમાં કોઈ રાજકીય બાબત ન હતી ! [8] આંગણામાં પિતા પડેલા છે; તેની દિકરી આક્રંદ કરી રહી છે; દીકરી પિતાને પાણી પાવાની કોશિશ કરે છે. પિતાનો જીવ જતો રહે છે. આ વીડિયો સત્તાપક્ષના નેતાઓ/કાર્યકરોએ સોશિયલ મીડિયામાં શેયર કરીને કહ્યું કે ‘કેટલી લાશોનો ઈન્તજાર કરવો છે? પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાશન લગાવી દો!’ ‘altNews’એ ફેક્ટ-ચેક કરતા આ વીડિયો આંધ્રપ્રદેશનો નીકળ્યો ! કોરોના પીડિત પિતાને દીકરી પાણી પાતી હતી. [9] પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાની તસ્વીરો સત્તાપક્ષના નેતાઓ/કાર્યકરોએ વાયરલ કરી કહ્યું કે ‘પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સ્થિતિ ભયાવહ છે !’ આ તસ્વીરો અંગે ‘altNews’એ ફેક્ટ-ચેક કર્યું તો આ તસ્વીરો ત્રણ વર્ષ જૂની, માર્ચ-2018ની નીકળી ! [10] ‘ઈન્ડિયા ટુડે’ના એક્ઝિક્યુટિવ એડિટર દીપ હાલદરે એક ટ્વીટ કરી પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સત્તાપક્ષની પોલ એજન્ટ બે મહિલાઓ હતી; તેના ઉપર બળાત્કાર અને બીજી મહિલાઓ સાથે છેડછાડની ખબર આપી હતી. પરંતુ પોલીસે આ ખબર ફેઈક છે, તેમ જણાવતા દીપ હાલદારે ટ્વીટ ડીલીટ કર્યું હતું ! ‘ન્યૂઝ લોન્ડ્રી’એ આ પર્દાફાશ કર્યો હતો.
સવાલ એ છે કે મમતા બેનર્જીની ઈમેજ ખરડવા અને કોરોના મહામારીમાં સત્તાપક્ષની દેશ/વિદેશમાં ભયંકર ટીકા થઈ રહી છે; તેના પ્રત્યે લોકોનું ધ્યાન ન જાય; તે માટે સત્તાપક્ષે સુઆયોજિત કાવતરું કર્યું હશે? ‘દિલ્હી’માં કરાવ્યા તેવા કોમી તોફાનો પશ્ચિમ બંગાળમાં કરાવી; રાષ્ટ્રપતિ શાશન લગાડવાનો પેંતરો હશે? વિચારો; પશ્ચિમ બંગાળમાં હિંસા પાછળ કોનો હાથ?
-રમેશ સવાણી
Post a Comment