શું PM; રામ કરતા ચડિયાતા છે?

કેટલાંક રેશનાલિસ્ટો અને આર્યસમાજીઓની ચામડી ખોતરો તો મુસ્લિમ દ્વેષ જોવા મળશે. તેઓ અંધશ્રદ્ધાનો/અવતારવાદનો/મૂર્તિપૂજાનો વિરોધ કરશે પણ PMની તરફેણ કરશે ! રેશનાલિસ્ટ ક્યારેય સંકુચિતતામાં/સંપ્રદાયવાદમાં/અંધશ્રદ્ધામાં/અવૈજ્ઞાનિક વાતોમાં ન માને. રેશનાલિસ્ટ મૂળભૂતરીતે માનવવાદી હોય છે એટલે તે સેક્યુલરિઝમ/માનવીય ગૌરવ/માનવમૂલ્યો/આઝાદી અને લોકતંત્રનો આગ્રહ રાખે છે.

એક ગુજરાતી લેખક અંધશ્રદ્ધાનો સખ્ત વિરોધ કરે છે; પરંતુ ‘યુગપુરુષ’ની અંધશ્રદ્ધામાં પૂરા ડૂબેલા છે. તેમણે ફેસબૂક ઉપર 1 મે 2021 ના રોજ, પોસ્ટ મૂકી વડાપ્રધાનની આરતી ઊતારી છે. તેમની દલીલ છે : [1] ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કદાચ PM એક છેલ્લી ટ્રેન છે. ગુજરાતીમાં એક કહેવત છે કે 'દૂધ આપતી ગાયની ક્યારેક લાત પણ ખાવી પડે !' તો ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકેનું ગૌરવ અપાવનાર નેતાની એકાદબે નાનીમોટી ભૂલો થઈ પણ હોય, તો એ ટીકાપાત્ર ન ગણાય. એને દૂધ આપતી ગાયની લાત સમજીને એનું સ્વાગત જ કરવાનું હોય ! [2] ભારત દેશ હવે બિન-સાંપ્રદાયિક રહેવાને બદલે પૂર્ણ હિન્દુ રાષ્ટ્ર બની જવો જોઈએ. [3] એ લોકોને તો પોતાનું અલગ ઈસ્લામિક રાષ્ટ્ર પણ મળી ગયું અને ભારતમાં એમને લઘુમતી તરીકે વિશેષ અધિકારો પણ મળી ગયા. પરંતુ હિન્દુઓને શું મળ્યું ? ભારતમાં હિન્દુઓએ લાઈફટાઈમ આ કહેવાતી લઘુમતી પ્રજાને પોતાના માથે બેસાડીને રાખવાની છે કે શું ? [4] આજ સુધી હિન્દુઓને કટ્ટર થતાં આવડ્યું જ નથી, એટલે તેઓ ઉદાર બનીને અન્યાય અને અત્યાચાર વેઠતા રહ્યા ! [5] જે બાબર રાજા મૂળભૂત રીતે ભારત દેશનો નહોતો અને બહારથી આક્રમણ કરીને અહીં આવ્યો હતો, એના નામની મસ્જિદ ભારતમાં હોય જ શાની ? અને એને હટાવવામાં આટલાં વર્ષો સુધી આનાકાની શાની ? [6] આજે PM હિન્દુઓના હિતમાં અને ભારતના ગૌરવ માટે એકલે હાથે ઝઝૂમી રહ્યો છે, ત્યારે આપણે એના હાથ મજબૂત કરવા જોઈએ; તેના બદલે એને પછાડવાના પેંતરા શામાટે? અમુક લોકો દેશને ગૌરવવંતો અને તાકતવર બનતો જોઈ નથી શકતા ! કહેવાય છે કે મરદ માણસની તો મૈયતમાંય જવાય, પણ હીજડાની જાનમાં પણ ન જવાય ! [7] મને તો PM ના નેતૃત્વ માટે છલોછલ આદર છે. બાકી તો શ્રીરામની પણ ટીકા કરનારા ધોબીઓ ક્યાં નહોતા?
ટૂંકમાં 2014થી સત્તાપક્ષના IT Cell જે નફરત ફેલાવે છે; તે આ લેખકના ‘ચિંતન’માં દેખાય છે. કોરોના મહામારીની બીજી લહેરમાં દેશ આખાના સ્મશાનો/કબ્રસ્તાનોમાં લાશોની લાઈન લાગેલી છે અને વિશ્વના અખબારો/મેગેઝિનો/ટીવી ચેનલો વડાપ્રધાનની બેદરકારી દર્શાવી રહ્યા છે તે સમયે આ પ્રકારની દલીલો કોઈ લેખક કરે તેનાથી વધુ શરમજનક બાબત બીજી હોઈ શકે નહીં. દૂધ આપતી ગાયની લત ખાવી પડે; પણ દૂધ આપતી જ ન હોય તો? મતલબ કે કોઈ સારા કામ કરે નહીં છતાં એની લાતો ખાયા કરવાની? PM છેલ્લી ટ્રેન કઈ રીતે? શું આ PM નહીં હોય તો આભ તૂટી પડશે? ભારત પૂર્ણ હિન્દુરાષ્ટ્ર બની જાય તો સ્વર્ગ ભારતમાં ઉતરી આવશે? જે દેશો પૂર્ણ ઈસ્લામિક છે, ત્યાં વિકાસ છલકાઈ ગયો છે? હિન્દુરાષ્ટ્ર એટલે શું? મનુસ્મૃતિના નિયમવાળું; ઉચ્ચનીચના ભેદભાવવાળું? અસ્પૃશ્યતાવાળું? લઘુમતી લોકોને કોણે માથે બેસાડી રાખ્યા છે? બંધારણે જે અધિકારો આપ્યા છે તે લઘુમતી ભોગવી ન શકે? લઘુમતી પ્રત્યે આટલો તિરસ્કાર કેમ? શું તેઓ ભારતના નાગરિકો નથી? હિન્દુરાષ્ટ્ર જાહેર કરીને તેમને ક્યાં મૂકવા જશો? શું તેમને સેકન્ડ કેટેગરીના સિટિઝન બનાવી દેવા છે? ગોડસેને કટ્ટર કહેવાય કે નહીં? દલિતો ઉપર બળાત્કાર કરનારા ઉચવર્ણવાળા કટ્ટર કહેવાય કે નહી? બાબરી મસ્જિદ હટાવી દીધી; એ રીતે તાજમહાલ/કુતુબ મિનાર/લાલકિલ્લો વગેરેને હટાવવા ન પડે? બાબર સામેનું વેર 2021માં લેવાનું? જો PM હિન્દુ હિતો માટે કામ કરતા હોય તો કોરોના મહામારીમાં બેડ/ઓક્સિજન/વેન્ટિલેટર/ઈન્જેક્શન/દવા/ડોક્ટર-પેરા મેડિકલ સ્ટાફની અછતના કારણે સૌથી વધુ હિન્દુઓ મરી રહ્યા છે; એવું કેમ? આ કેવું ‘હિન્દુહિત’? PMએ ભારતનું ગૌરવ વધે તેવું ક્યું કામ કર્યું? નોટબંધી? બ્લેકમની નહીં શોધી શકવાનું? અવિચારી GST? આયોજનહીન લોકડાઊન? બેરોજગારી/કુપોષણ વધારવાનું? પેટ્રોલ-ડીઝલના અતિ ભાવવધારાનું? ડોલર સામે રુરિયાને લાચાર બનાવવાનું? વિપક્ષના ધારાસભ્યોને ખરીદી સરકાર ઊથલાવવાનું? બુધ્ધિજીવીઓ/વિરોધીઓને જેલમાં પૂરવાનું? બંધારણીય મૂલ્યોને કચડી નાખવાનું? CBI/NIA/ED/SC/ECનો દુરુપયોગ કરવાનું? કોર્પોરેટ મિત્રો માટે ત્રણ કૃષિ કાયદાઓ બનાવવાનું? ધનકુબેર મિત્રોને સરકારી મિલકતો વેચવાનું? મહામારીમાં કુંભમેળા અને ચૂંટણીસભાઓમાં અપાર ભીડ ભેગી કરવાનું? આવું બધું કરી શકે તેને મર્દ કહેવાય? આવા નેતૃત્વ માટે છલોછલ આદર હોય તેને અંધભક્તિનું સંક્રમણ કહેવાય કે નહીં? જો શ્રીરામની ટીકા એક ધોબી કરી શકતો હોય તો PMની આલોચના થાય તેમાં પેટમાં કેમ બળે છે? શું PM; રામ કરતા ચડિયાતા છે?
-રમેશ સવાણી
Post a Comment

Post a Comment