સરકાર મોતના આંકડા છૂપાવે છે કેમ?
અમદાવાદ/સુરત/વડોદરા/ભાવનગર/જામનગર/ગાંધીનગરમાં જ કોરોના વાયરસે 7 એપ્રિલ 2021ના રોજ 240 લોકોનો ભોગ લીધો; પરંતુ સરકારી આંકડા મુજબ માત્ર 17 કોરોના દર્દીઓના મોત થયા છે ! દરેક શહેરોમાં સ્મશાનમાં લાશોની અંતિમવિધિ માટે વેઈટિંગમાં કલાકો સુધી રાહ જોવી પડે છે. એના વીડિઓ સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે. ગામડાઓમાં કોરોના દર્દીઓ મૃત્યુ પામે તે અલગ. છતાં સરકાર કહે છે કે 17 લોકોના જ મોત થયા છે ! સવાલ એ છે કે સરકાર મોતના આંકડા છૂપાવે છે કેમ?
સરકારને હવે શરમ આવે છે. મોટા ઉપાડે સભાઓ ગજવી/ક્રિકેટ સ્ટેડિયમમાં જલસો ગોઠવ્યો/પક્ષપ્રમુખની રજતતુલાઓ યોજી/પેજ પ્રમુખોના મેળાઓ યોજ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા; હવે ક્યા મોઢે બચાવ કરે? નાક બચાવવાનો સહેલો રસ્તો છે મોતના આંકડા જ છૂપાવી દો ! રોજગારની કોઈ વાત ન કરે એટલે બેરોજગારીના આંકડા છૂપાવવાના બદલે આંકડા જ ગૂમ કરી દો ! લોકડાઉનમાં કેટલા શ્રમિકોના મોત થયા; કેટલા શ્રમિકો બેરોજગાર બન્યા તેના આંકડા જ મળતા નથી ! ઉદ્દેશ્ય એ છે કે આંકડા છૂપાવવાથી સરકારની કામગીરી ફૂલગુલાબી દેખાય છે !
સરકાર વિરોધ સહન કરી શકતી નથી; એટલે કાળા વાવટા કોઈ દેખાડે નહીં; એની જ ચિંતા પોલીસ વધુ કરે છે. વિરોધપક્ષને/સામાજિક કાર્યકર્તાઓને જેલમાં પૂરે છે. ચૂંટણીપંચ સત્તાપક્ષની પાંખ હોય તે રીતે એક તરફી કામ કરે છે. હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટમાં પણ ડર બેસી ગયો છે. અયોગ્ય શાસક; રાષ્ટ્રવાદ અને રામમંદિરની છત્રી હેઠળ પોતાની નકટાઈ/નાગાઈ/તાનાશાહીને ઢાંકીને લોકોને છેતરી રહ્યા છે ! સરકાર પોતાના ગંદા ચહેરાને કોર્પોરેટ મીડિયા દ્વારા રુપરુપના અંબાર જેવો દેખાડે છે અને રામમંદિરની વાતો કરી આપણી તાળીઓ ઉઘરાવે છે ! રાષ્ટ્રવાદના ડાકલાં વગાડી આપણને ધૂણાવે છે ! એટલે સરકાર 240 ના આંકડાને 17 માં ફેરવી નાખે તોપણ આપણને કંઈ અજુગતું લાગતું નથી !
-રમેશ સવાણી IPS
(o)(o)(o)(o)(o)
ReplyDelete